કેરોસીન - (A Short Story) લેખક: પાર્થ નાણાવટી


મળસ્કે હાઇવે પરની ટ્રકોના અવરજવરના અવાજની શરુઆત થઈને મહિપતસિંહ જાગી ગયા. રાતના, આ લાંબા હાઇવે પરની જુદી જુદી હોટેલોમાં બે ચાર કલાકની ઊંઘ ખેંચી, ટ્રકચાલકો વહેલી પરોઢે નીકળી પડતા - એમની લાંબી સફર પર. વલસાડ, મુંબઈ, પુના, આ બાજુ જયપુર ને રાજસ્થાન , કોક વળી દિલ્લી તો કોક બિહાર ને ઝારખંડ, અમુક તો વળી છેક કલકત્તા જતા. જાણે એક બીજો નવો દેશ ન હોય એવું લાગતું કલકત્તા સાંભળતા ત્યારે.

છેલ્લા વીસ  વર્ષથી સ્ટેટ હાઇવે પર હોટેલ ચલાવતા મહીપતસિંહ માટે આ વાતો, આ નવા પ્રદેશો, જાતભાતના પાત્રો, અને એક એમની નાનકડી જગદંબા હોટેલ. આ બધું ભેગું કરો એટલે એમની જિંદગી બને. ખટારાના કર્કશ અવાજો એમના માટે સવારનું એલાર્મ બની ગયા હતા. ઉનાળે હોટેલની પાછળના ખુલ્લા ચોકમાં ખાટલો નાખીને સુતા, ને શિયાળે બાજુની નાની ઓરડીમાં. ગામ આમતો ચાર કિલોમીટર હતું ને ગામમાં બાપ દાદાનું જુનું ઘર પણ હતું, પણ મહિપત સિંહમાટે એ જોજનો દુર હતું. એમના દીકરાઓ, એમના બીજી વારના પત્ની માનવીરાબા ને એક દીકરી ત્યાં રહેતા. પ્રસંગ તહેવારે આવવા જવાનું થતું, માંદે સાજે ઘરની સફર થઇ જતી, પણ બાકી તો જગદંબાને મહિપતસિંહ એકીસાથે આ સાપના બરડા જેવા લાંબા હાઇવેની બાજુમાં સંગાથે ઘરડા થયે રાખતા. 

મહિપત સિંહ બેઠા થયા. આકાશ કેસરી રંગમાં રંગાવા માંડ્યું હતું, ઉનાળો હતો, હમણાં થોડી વારમાં આક્શમાંથી અગન વરસશે, એ ફટાફટ બીડી પેટાવી, હોટેલની પાછળના ખેતરમાં શૌચાદી પતાવવા ગયા. હોટેલની અંદર રાતપાળીનો માણસ, લખમણને ઉઠાડી, પોતે સાયકલ કાઢી ઘર ભેગો થયો. દૂધ આવી ગયું હતું, લખમણ મોઢામાં દાતણ ચાવતો, કામે લાગ્યો. હાઇવે પરની દુનિયા થોડી વહેલી જાગી ને કામે લાગી જતી, રાજકોટથી આવતી છાપાની ગાડી, હમણાંજ આવશે. એ પછી સોમનાથ જતી લકઝરી, અને એસ ટીની બસ. રસોડે કામ કરતી બાઈ માણસ, થોડીવારમાં શાક બકાલાનો ટોપલો લઈને આવશે, ડોશી ને એની  ફાટફાટ થતી છાતી વાળી જવાન વહુ, વહવાયાની જાત માં ય આટલું રૂપ!!
લખમણ એ બન્ને જણીઓ આવે એ પહેલા અચૂક નાહી ધોઈને તૈયાર થઇ જતો, થોડુંકના સમયથી એને એવું લાગવા માંડ્યું હતું કે જુવાન વહુ -નામે દામી એની સામું ચોરી છુપીથી આંખના ખૂણેથી જોઈ લે છે. મહિપત સિંહની કડપમાં આનાથી વધારે તો કંઈજ શક્ય નથી. 

લખમણનુ બીજું છે પણ કોણ મહિપત સિંહ સિવાય? ચોટીલા ચાલતા જતા સંઘમાંથી એ છૂટો પડી ગયો તો. કે પછી બાપ ખટારો હાંકતો હશે કે આ બોજ ને એને હાઇવે પર ઉતારી મુક્યો હશે. જે હોય તે, પણ લખમણ જગદંબા પર પહેલી વાર આવ્યો ત્યારે દશ વર્ષનો હશે, આજે સત્તર વર્ષથી એ ત્યાંજ હતો, થોડો બહેરો સાવ મૂંગો ને થોડો ઘનચક્કર. એવા લખમણને બીજું પાલવે કોણ? પણ મહિપત સિંહનો એ અદનો સેવક હતો, રાંધવું, થડે બેસવું, ટાપા, ધક્કા ને પ્ર્ન્સગોપાત દારૂ પીધેલા મહિપત સિંહની મા-બેન સામી ગાળો ને માર. લખમણને વળી ક્યાં ખબર હતી કોણ એની મા છે કે કોણ એની બેન, ને એને ક્યાં સંભળાતું હતું! 

એ ફટાફટ ચોકડીમાં બાલદી લઈને નાવા બેઠો, મહિપતસિંહ પાછા આવ્યા, એમના મોઢા પર મરક મરક હાસ્ય હતું, લખમણને નવાઈ લાગી, બાપુ દિવસમાં એક બે વાર માંડ માંડ હસે ને આજે તો સવારના પોરમાં. એ ટુવાલ વીંટીને નાનકડી ખોલીમાં ગયો, કપડા પહેર્યા, પોન્ડ્સનો પાવડર ને માથામાં તેલ નાખી, કાંસકો ઘસી પાછો હોટેલમાં. 

મહિપતસિંહ પરવારીને થડા ઉપર ખોડાય ગયા'તાં, લખમણ ચાને પારલે નું પડીકું મૂકી ગયો, બાપુ એની સામું તાંકી રહ્યા, લખમણ મૂંઝાયો એને થયું કે કઈ ભૂલ ચૂક થઈ ગઈ છે.

એ પાછા પગલે ચાલવા લાગ્યો ત્યાં બાપુ એ ઈશારાથી એને પાસે બોલાવ્યો ને પછી, એને ઇશારાથી બે હાથ આંખે મૂકી આંખો મીચવા કહ્યું, લખમણને બીક પણ લાગી, કૌતુક થયું ને શંકા પણ જાગી ને લખમણનું નાનકડું મગજ આટલી બધી લાગણીઓ એકસાથે પ્રોસેસ કરવાને કાબેલ ન હતું. એટલે એ કાયમની માફક એન્ટીસીપેશનમાં ઉભો રહ્યો, આંખો મીચીને.

મહિપતસિંગ બાપુ એ એના ખરબચડા હાથમાં બે ઈંડા મુક્યા. લખમણ ફાટી આંખે બે સફેદ ટપકાને તાંકી રહ્યો. મહિપતસિંહે એમના હાથમાં બીજા બે બતાવ્યા. લખમણના આશ્ચર્યનો પર નહી, માંડ માંડ ચાલતી જગદંબામાં ખીચડી પણ મળી જાય તો એ રાજી થઈ જતો, ને આ તો ઈંડા! બાપુ એ થોડે દુર ઉભેલી ઈંડાની હેરાફેરી કરતી રીક્ષા તરફ ઈશારો કર્યો. અને આંખ મારી. લખમણ સમજી ગયો કે બાપુ જાજરૂ જવા ગયા ત્યારે પાછા આવતા ગાડી પર હાથ ફેરો કરતા આવ્યા છે. ભલે ત્યારે આજે "એગ્સ વિથ ટોસ્ટએડ બાજરા કા રોટલા"નો બ્રેકફાસ્ટ. ઘરાકી આવવા માંડી હતી. બેય જણા કામે વળગ્યા. 

થડા નામે કાઉન્ટર પર મહિપતસિંહ સાફ સુફી કરવા લાગ્યા ને પછી દીવાબત્તી. રાજ્કોટથી આવતી છાપાની ગાડી મોડી હતી, એટલે આજે છાપા વગર ચા પીવી પડશે, અંદર રસોડામાંથી આમલેટની ખુશ્બુ આવી રહી હતી. મહિપત સિંહ વિચાર સફરે નીકળી પડ્યા.

બાપ-દાદાનું રાણપુરમાં મોટું નામ ને કામ હતા એમના દાદા કપાસની લે વેંચ કરતા, જમીનો હતી, અરે એ જમાના માં ગાડી પણ હતી ઓસ્ટીન માર્ટીન. બાળક તરીકે મહિપત સિંહને એમાં એકાદ વાર બેઠાનું પણ યાદ છે. એમના ફાધર પ્રતાપસિંહ રાજકુમાર કોલેજમાં ભણ્યા હતા. એ જામનગરના બહુ મોટા ખાનદાનમાં પરણ્યા હતા, એમના માતા અસલ રાજવી હતા, રાણપુરની બહાર આવેલી કોઠી પર મહિપત સિંહનો ઉછેર થયો હતો. માતાના આગ્ર્હને વશ થઈને પિતાએ એમને કોમર્સનું ભણવા અમદાવાદ મોકલ્યા હતા. જુનો પૈસો હતો, પણ પાછલી ઉંમરે પ્રતાપ સિંહ અફીણની લતે ચડી ગયા. માતાના મરણ બાદ, ને કોઠી પર જાત ભાતની લત વાળા લોકોની અવર જવર થવા માંડી. કોલેજમાંથી વેકેશનમાં પાછા આવતા ત્યારે મહિપત સિંહ આ બધાથી દુર ખેતરોમાં, વગડામાં મોટા ભાગનો સમય એમની રાઈફલ લઈને રખડે રાખતા. શિકાર માટે, રાણપુરના પ્રદેશમાં મોટું તો કઈ મળે નહી, પણ તેતર, સસલા ને ક્યારેક ઘુડખર કે હરણ વિગેરેનો શિકાર થાય. 

સમય વીતતો ગયો, એક સમયના ગામમાં પાંચમાં પુછાતા દરબારી પરિવારને પણ અર્થ શાસ્ત્ર અને એના નિયમોએ પાઠ ભણાવ્યો. પડતીની શરુઆત થઈ, એક દિવસ કોલેજની ઓફિસમાં તાર આવ્યો, મહિપતસિંહ ઘરે ગયા એમના ફાધર દેવ થઇ ગયા હતા ને માટે મોટું દેવું છોડતા ગયા હતા. કોલેજમાં ત્રીજું વરસ પૂરું કરવા જવાનું મહિપત સિંહને વ્યાજબી ન લાગ્યું, એમને જે થોડી ઘણી બચી હતી એ જમીનનો વહીવટ હાથમાં લીધો. ચોપડે ખાધ ને દેવાના ડુંગર હતા. એમના ફાધર પ્રતાપસિંહે દિલથી બાપ દાદાના પૈસે ભાઈબંધ, દોસ્તારો, કવિ, ગવૈયાઓ, શાયરો, બારોટો, ભાટ ચારણો, ખાનસામાઓ, નામ ન સાંભળ્યા હોય એવા સ્ટેટના નવાબો ને ખવરાવ્યું પીવરાવ્યું હતું. જયપુરથી નાચવાવાળીઓ આવતી, ધંધુકાથી ફોઝદાર. ચીકન, ને દારૂ ની મહેફીલો. તાલુકા પંચાયતની ચૂંટણીમાં એમનાજ કાકાજીના છોકરા અને પિતરાઈ ભાઈ અજીતસિંહ સામે ઉભા રહી દુશ્મનાવટ વહોરી લીધી હતી. 

અજીતસિંહના ફાધર ને પ્રતાપસિંહના ફાધર માસી માસી ના છોકરા ભાઈ થાય. પણ અજીત સિંહ પરિવાર સાવ જુદી રીતે ઓપરેટ કરતો, સમય જતા એ લોકો પણ બદલાયા, ટ્રાન્સપોર્ટ, રાજકારણ, રસ્તાના કોન્ટ્રેક્ટ, ને અમલદારો સાથેનો ઘરોબો, કોંગ્રેસીઓ સાથે ઉઠક બેઠક. આજે ત્રીજી પેઢીએ, મહિપતસિંહ જગદંબા પર ઘસાય ઘુન્સાય ને જીવતા જયારે અજીતસિંહનો એક નો એક દીકરો શક્તિસિંહ એય એના બાપ-દાદાની જેમ  એશો આરામની જિંદગી જીવતો. શક્તિ ટ્રાન્સપોર્ટ અને જગદંબાથી થોડેજ દુર મસમોટી, ને ધમ ધમતી હોટેલ શક્તિ. સમય સમયની વાત છે, ઈંડા પણ ચોરવા પડે એવા દિવસો આવી ગયા છે. મહિપતસિંહની કાળ સફર આમલેટની ખુશ્બુ એ તોડી. આ હા - મરચાને કોથમીરથી હરી ભરી આમલેટ, જોડે બાજરા નો રોટલો, ને લસણની ચટણી. મહિપત સિંહએ બીજી ચા મંગાવી, રેડિયો ચાલુ કર્યોને હાલ પૂરતા તો આમલેટના સ્વાદમાં ખોવાવા લાગ્યા. 

એ દિવસોમાં પૈસા તો બહુ હતા નહી, પણ આબરૂ હજી સારી હતી, ગામમાં બે આંખની શરમ હતી સમાજમાં શાખ હતી, મોસાળની પ્રતિષ્ઠાને કારણે મહિપત સિંહનું લગ્ન પણ એક સારા પરિવારમાં થયું, એ લોકો મૂળે ભાવનગરના પણ વર્ષોથી જબલપુર હતા, સારો એવો કારોબાર હતો, અને છોકરીએ કોલેજ પણ કરી હતી. રૂપાળી પત્ની નામે અલકા એને કોઈ અલકાબા કહે એ ગમતું નહી, પરિવારના દબાણને વશ થઈ મહિપત સિંહ સાથે પરણી હતી, જોત જોતા માં બે દીકરા ને એક દીકરી. 

અલકાની પિયર ની આવન જાવન વધુ હતી, કાયમ કહેતી મા બીમાર છે, ટેલીફોન એટલા સામાન્ય હતા નહી એ દિવસોમાં. એટલે મહિપત સિંહ ઝાઝી તપાસ પણ ન કરી શકતા, પણ એક વાર એ છોકરાઓ ને લઈને ગઈ ને એના ત્રીજા દિવસે મહિપતસિંહ પણ જબલ પુર જઈ પહોચ્યા. સાસુમા તો એય ને ગલગોટા જેવા મસ્ત હતા, અલકા ઘરે હતી નહી, એની બેનપણી  જોડે સિનેમા જોવા ગઈ હતી. દરબારી રીત રીવાજો જબલપુર વસેલો પરિવાર ઓછા પાળતો. મહિપતસિંહ સમસમી ગયા. એ છોકરા લઈને એકલા પાછા આવ્યા. એઝ  યુઝવલ, મીડીએશન, લબડી ગયેલી જન્દગી વાળા નવરા ધૂપ વડીલો એ વચમાં રહી સમાધાન કરાવ્યું, અલકા પાછી આવી, મહિપત સિંહએ રાતે વાડીએ સુવાનું શરુ કર્યું. 

ચોમાસાની એક ગોઝારી ધોધમાર વરસતી રાતે વાડી પર રહેતા એક નોકરને સાપ કરડ્યો, મહિપતસિંહ એને લઈને ધંધુકાના દવાખાને લઈ ગયા, નોકર બચ્યો નહી, એ ખિન્ન મને વહેલી સવારે ઘેર ગયા, ને અલકા ઘરમાં હતી નહી, નોકરાણીતો સાંજની જતી રહી હતી, તપાસ કરી તો અલકા એક કાગળ મુકીને નીકળી ગઈ હતી. ઘરેણા લઈને. મહિપત સિંહ ઘા ખાય ગયા. 

બે મહિનાની શોધખોળ બાદ અલકા ને એના પ્રેમી નો પતો લાગ્યો. ભગાડી જનાર છોકરો કોઈક મધ્યપ્રદેશનો કાયસ્થ બ્રામ્હણ હતો. અલકાની સાથે કોલેજમાં ભેગો ભણતો. બન્ને જણા  ભોપાલની એક વસ્તીમાં સાથે રહેતા. ત્યાંજ કોઈ નિશાળમાં માસ્તર હતો, મહિપત સિંહને બીજા એક બે દરબારો એ બન્ને ને અડધી રાતે ઉપાડી લાવ્યા. રાણપુરની વાડી એ અલકાને ઝેર પીવરાવ્યુંને પેલા ને ગોળીએ દીધો, કોર્ટ કચેરી થયા, વકીલોની ફી, થોડી ઘણી બચત હતી એ પણ ખલાસ. ને મહિપતસિંહ બિન પ્રતાપ સિંહ ૧૯૮૧મા દશ વરસ માટે સાબરમતી જેલ ભેગા થયા. છોકરાઓને એમની બેન ને ત્યાં મોકલી દેવાયા. વાર તહેવારે બેન એમને લઈને અમદાવાદ આવતી, પણ મહિપતસિંહે એને મનાઈ કરી, પાંજરામાં પુરાયેલો સિંહ જોયને છોકરાઓ મોટા થાય એ એમના દરબારી મિજાજને માફક ન હતું. ૧૯૯૧ માં છૂટ્યા ને સમાજમાં તો અંદરખાને એમની વાહ વાહ થવા લાગી, ભડનો દીકરો , આબરૂ ખાતર ખૂન કરીને જેલ પણ જઈ આવ્યો, મહિપતસિંહ વટ ખાતર બીજી વાર પરણ્યા પણ ખરા ને ગામ પાસેની હાઇવે ટચ પોતાની બચેલી નાનકડી જમીન પર પર એમણે  હોટેલ જગદંબા શરુ કરી, ઉધાર પૈસા લઈને, એમનો કઝીન શક્તિસિંહ પણ સામેથી આવીને મદદ કરી ગયો. 

એ વાતને ય હવે વીસ વરસ થયા હતા. મોટા છોકરો અને વચલી દીકરીને પરણાવ્યા હતા. સૌથી નાનો રખડી ખાતો, ગામમાં થયેલા નવા સિનેમા પાસે એણે પાનની દુકાન કરી હતી, પાછો એમાં પણ એક વાળંદને બેસાડ્યો તો, બાપુ કઈ ગલ્લે પાન માવા  થોડા બનાવે? દીકરી વર્ષથી ઘેર હતી, સુવાવડે આવી'તી ને આણું કરવાનું બાકી હતું. જમાઈ વાર તહેવારે રાતવાસો કરી જતા, છોકરીનો છોકરો પણ વરસનો થશે. શક્તિસિંહની હોટેલ ખોલતી વખતે કરેલી મદદ આજે વ્યાજ મુદલ સહિત, હજાર માથાળી થઇ ને મહિપતસિંહને રાત દિન પજવતી. શક્તિ સિંહની દાનત હતી કે એક દિવસ હોટેલ જગદંબાને એની જમીન સહિત ખાઈ જવા. મહિપત સિંહ હવે કેટલું ખેંચશે? છોકરાઓમાં કઈ દમ નથી. મોટો દીકરો ધંધુકા એસ.ટીમાં મિકેનિક છે. નાનો સિનેમાના ગલ્લે બેઠો બેઠો, અંબાણી થવાના સપને રાચે છે. 

સવારની ઘરાકી ઠંડી હતી. એસટી ના ડ્રાઈવર કન્ડકટરને સાચવવા પડતા નહિતર બસ બીજી હોટલ પર ઉભી રાખે. દાદાગીરી પણ મોભાની જેમ ઝાંખી પડતી જતી હતી. સાડા દશે, છોકરીના સાસરી પક્ષના એક વડીલ એના છોકરા સાથે બુલેટ પર આવ્યા. 'જય માતાજી'ના વહેવારો પછી બન્ને પાર્ટી, હોટેલની પાછળ ઢોલિયે (ખાટલે)  બેઠી. બીડીઓ પ્રગટી, ચાની અડાળીઓ, મેથીના ગોટા ના ડૂચા ને લાખ કરોડની વાતો થઇ. અંતે વડીલ મુદા પર આવ્યા, વિષય હતો આણું. દીકરી વરસ-દાડાથી પિયરે છે. સમાજમાં વાતો થાય છે. જમાઈ સારો માણસ છે, પણ ક્યાં સુધી એકલો રહે, એનેય બધી જાતની તકલીફ હોય ને ખાવા પીવાથી માંડીને, વડીલે આંખ મારી સૂચક ઈશારો કર્યો. મહિપતસિંહ થોડા ઢીલા થયા. આ વર્ષોમાં ફાંકો બાજુ પર રાખીને વાસ્તવિકતા સ્વીકારી લેવાની આદત મને-કમને એમણે પાડી દીધી હતી. પૈસાની સંકડામણની પેટ છૂટી વાત એમણે કરી, તો વડીલ ઉભા થઇ ગયા, ને જતા જતા ફરમાન જારી કર્યું કે મહિનો માસ છે, જે વ્યવસ્થા કરવી હોય એ કરી લેજો, નહિતર નાત ભેગી કરી કંઇક કાયમનું વિચારવું પડશે. બુલેટ ધૂળ ઉડાડતું જતું રહ્યું. ખામોશ મહિપત સિંહ ઘવાયેલા વાઘની જેમ પોતાના કર્મોને, અપમાનોને, જખ્મોને ચાટતા બેસી રહ્યા. લખમણ વહવાયાની વહુ હારે પછવાડે વ્યસ્ત હતો. છાપાની ગાડી આજે આવીજ નહી, બધાની જેમ કદાચ એમણે પણ બીજી હોટેલ શોધી લીધી હશે. 

પોણા બારે નાનો છોકરો આવ્યો, એની સાથે એનો એક ભાઈ બંધ હતો. જય માતાજી કરીને બેય એક ટેબલ પર ગોઠવાયા, લખમણને બુમ પાડી ને ખાવાનું મગાવ્યું. મહિપત સિંહને નાના સાથે બહુ ફાવતું નહી, પણ તોય એ ખબર અંતર પૂછવા એની પાસે ગયા. નાના એ પોતાની સાથે આવેલા આગન્તુકની ઓળખાણ કરાવી. " ઈદરીશ , આપણો ભાઈ બંધ છે, ધોળકાનો છે. કેરોસીન નું કામકાજ છે. પાંચેક દુકાનો છે, ને બીજી દસ બાર લારી તો ખરીજ. આજ કાલતો  રીક્ષાથી માંડીને છકડા સુધી બધા કેરોસીન જ વાપરે છે. પ્રાથમિક વાતચીત  બાદ એ મહિપત સિંહની નજીક સરક્યો. "બાપુજી આપણી હોટેલ પર પેલો કેરોસીનનો ટ્રક નથી આવતો, એ આયાં થીજ ધોળકા જાય, મોટા ડેપોમાં, દશ વિશ હજાર લીટર સાચું. એનો ડ્રાઈવર બાટલીબાજ છે,  ઈદરીશની ઈચ્છા છે કે આપણે ધંધો કરીએ. ડ્રાઈવર માટે બાટલી ની વ્યવસ્થા એ કરશે, આપણે એને પીવરાવવાનુંને ઈ ઢેલ થાય પછી ટેન્કરમાંથી પચાસ, સો લીટર કેરોસીન કાઢી લેવાનું. પીપડું પણ ઈદરીશ આપશે, ને ઈદરીશનો માણસ પીપડું લઈ જશે, વીસ હજારમાં સો લીટરનો કોઈ હિસાબ નહી, ને ડેપો માં પણ ઈદરીશની ઓળખાણ છે. ટૂંકમાં આપણી જગ્યા બધી રીતે અનુકુળ છે, આ બેહરા ને કઈ દેવાનું, ટેન્કરનું લોક કેમ ખોલવું એ ઈદરીશ શીખવાડી દેશે. પચ્ચા પચ્ચાની ભાગીદારી. ઈદરીશનું એક સેટિંગ હતું, પણ એ પાર્ટી હવે પેટ્રોલમાં પડી છે. આ મોકો જાવા દેવા જેવો નથી, આપણે ના પડશું તો ઈ શક્તિસિંહના માણસ ને શાધશે." નાના છોકરાએ ફોડ પાડતા કહ્યું. 

છેલ્લા થોડા શબ્દો મહિપત સિંહ ને પાણીમાંથી આવતા મોટા પરપોટા જેવા, પહોળા ને ઘાટ્ટા સંભળાયા, સાબરમતી જેલના દશ વર્ષમાં જાત ભાતના ચિંદી ચોર, ખિસ્સા કાતરુ, દલાલો, ઘરફોડિયા, ડફેરો, ડબલ મર્ડર વાળા જોડે જીવ્યા હતા, પણ ઘરમાં પણ એક પેદા થયો છે એ આજ ખબર પડી. પછી તરતજ પેલા બુલેટવાળા વડીલનો બીડી ચુસતો ચહેરો દેખાયો, છોકરી ને એનો લાંબા વાળવાળો બાબરીની રાહ જોતો છોકરો, જમાઈ ને ગામ નું પડું પડું થતું ઘર, ગીરવે મુકેલી જમીન, શક્તિસિંહની લોન, ગીરવે મુકેલી વાડી, ગીરવે મુકેલો કુવો, ગીરવે મુકેલા ખાનદાની ઘરેણા, ગીરવે મુકેલી જિંદગી અને મહિપતસિંહ કેરોસીન ચોરવાની વાત માની ગયા. 

બધી વ્યવસ્થા થઇ ગઈ, ઈદરીશ આવીને લખમણને પચાસની નોટ આપીને બધું સમજાવી ગયો, કેવી રીતે સીલ ખોલાય, કેરોસીનની પાઈપને પીપડું, ને પાછું બધું બંધ કીવે રીતે કરાય. લખમણ વહવાયાની વહુના ભરાવદાર સ્તનની વચ્ચે એણે દીધેલી પચાશની નોટ કેવી ગરમ થશે એના ખ્યાલમાં રાચવા લાગ્યો. મહિપતસિંહ થડે ગોઠવાઈને ત્યાં બેઠા આખી ઘટના પર નજર રાખશે.

એ દિવસે રાતે કેરોસીન ભરેલો ખટારો આવ્યો. મહિપતસિંહે ડ્રાઈવર સાથે ભાઈબંધી કરી, ખાવા પીવાની વાતો થઇ. પહેલી વારમાં લોઈ કેરોસીનની ચોરી ના થઇ. વિશ્વાસ કેળવાયો. મહિપત સિંહે આગ્રહ કરીને ડ્રાઈવરને પીવરાવ્યું, ડ્રાઈવર ભાઈએ નશામાં એક ટ્રક ડ્રાઈવરને શોભે એવી બધીજ વાતો કરી. એ આવતા અઠવાડિયે મળું કહી ગાડી મારી મૂકી.

પછીના અઠવાડિયે સવારના ઈદરીશ આવીને બધું ફરી એક વાર પાક્કું કરી ગયો, આજે હાથ મારવાની રાત હતી. ફરીથી ખટારો આવ્યો, કલાક મોડો હતો, આગળ અકસ્માત થયો હતો, ભાઈ એ આવતા વેંત બાટલી માંગી, મહિપત સિંહ એને પાછળ ખાટલે લઇ ગયા, પીવાનું ચાલુ થયું, લખમણને એમણે ઈશારો કર્યો , એટલે એ આગળ પડેલી ટ્રક તરફ ગયો..

********** 

ધડાકાનો અવાજ કહે છે દસ કિલોમીટર દુર સંભળાયો. આગ ઓલવતા આખી રાત લાગી, લખમણ તો ઓગળી ગયો આગમાં. મહિપત સિંહ અને કેરોસીનના ટેન્કરના ડ્રાઈવરની ન ઓળખાય એવી લાશો મળી. એ દિવસે ખટારાની પાછળ પાંચસો મીટર સુધી પેટ્રોલની ધાર કરી ને બાજુ ના ખેતરમાંથી સળગતી બીડી નાખતા મહિપત સિંહના નાના છોકરા માટે એ એમની યાતનાઓનો અંત હતો, હોટેલનો વીમો, બાપના કમોતની નુકશાનીનું વળતર, ને શક્તિસિંહ ને ખાલી જમીન આપવાનો વાયદો, બહેનનું આણું - કેટકેટલી ખુશીઓ એકસામટી અને પહેલીવાર આ કેરોસીનનો ખટારો લાવ્યો હતો.એણે મનોમન શક્તિકાકાનો આભાર માન્યો. ઈદરીશની આભાર માન્યો. પણ એને ખબર ન'તી કે ફોરેન્સિકની તપાસ થશે. જાણી જોઈને લગાડેલી આગમાં નુકશાની મળે નહી આપવી પડે. શક્તિસિંહને જમીનમાં રસ છે, નહી કે એનામાં કે એની આર્થીક સમસ્યાઓમાં. ફોઝ્દારને એનું નામ આપતા એમને કેટલી વાર લાગવાની હતી!

 ©Parth Nanavati 2021

Write a comment ...

પાર્થ નાણાવટી (Parth Nanavati)

વાતો । વાર્તાઓ । વિચારો