અછોડો - (A Short Story by) Parth Nanavati

“અલ્યા જંપને લખોટા. તું તોડે પાર મેલીશ.” કા ભઈ એ તોફાની ટાબરિયાઓની ટોળકીને પેટ્રોમેક્ષની બત્તીઓથી દુર રાખવાનો ફરી એક નિષ્ફળ પ્રયત્ન કર્યો.

“કઈ આ ચકરડામે ફસાયો?”

“બોન***, બીડી હોતે નહી પીવા દેતા. શોન્તીથી”

“દીકરીની સાસરીનું ગોમ હે, ને વરઘોડો બજાર મેયથી નીકળશે. દીકરીનો હહરો(સસરો) ગોંધીની દુકાને પડીકો વાળવાનું કોમ કરે હે, એ જો ગધનો મુને માથે પેટ્રોમેક્ષ મુકેલા વેવાઈને જોઈ જાહે’ તો આબરૂની પત્તર ખંડાઈ જવાની.” કા ભઈના ઉંમરલાયક અને ધીમા પડતા જતા દિમાગમાં રીસ્ક એસેસમેન્ટ ચાલતું હતું.

“ઓ કાકા, બત્તીઓ પેટાવો, વરઘોડાનો ટેમ થશે.” લગનમાં જોવા મળતા હોય એવા વહીવટદારોમાંનો એક ડાહ્યો થયો.

“તું ઠોક્યા, તારું કોમ કરને, તારી બત્તી બુઝાઈ ગઈ છે, એમાં અહી શાની રોફ મારે છે.” કા ભઈ એ પેલા વહીવટદારને મનોમન ચોપડાવી.

પીળો સાફો પેરેલ એ વહીવટદારની બાયડી ક્યારની જુવાનીયાઓ જોડે લટાકા લેતી હતી. વરઘોડો પતે એટલે જાન રાતની બસમાં કાઠીયાવાડ જવાની છે, એ રાતની મુસાફરીમાં જુવાન લોહીની ગરમીનો ઇન્તજામ કરતી હોય એવું કા ભઈની અનુભવી આંખે સ્પષ્ટ નોંધેલું.

“હા, સાયેબ પેટાવું, બે ઘડીમાં.” જોકે એમણે જવાબ તો વહીવટદારને સાંભળવો ગમે એવો જ આપ્યો.

જશીયાએ જ્યારથી મંડપ સર્વિસ શરૂ કરેલી, ત્યારથી આવા જાતભાતના પાત્રો અને એમના અજબ-ગજબના કિસ્સાઓ કા ભઈ એ નજરે જોયેલા.

એકવાર વરની મા, કન્યાના કાકા જોડે, ઉતારાની બાર ગાડીમાં. એકવાર વરરાજાને લગન પેલા આવેલી વાઈ, કન્યાનો સફેદ દાઢ છુપાવવા થયેલો મેકઅપ, માંડવેની વચોવચ ઉતરી ગયેલો એ ખેલ. એક વખત વરના બુટ ચોર્યા બાદ થયેલી છુટા હાથની મારામારી. અને એક વાર છાંટો પાણી કરીને આવેલા જાનૈયાઓ બે કલાક કરેલો નાગીન ડાન્સ. આવા કઈ કેટલાય ખેલના સાક્ષી રહ્યા છે કા ભઈ.

*******

જોકે, બત્તી પોતાને માથે ઉપાડવાનો આ પહેલો પ્રસંગ હશે. જશીયા જોડે એ બાબતે રકઝક પણ થયેલી.

“બાપુ, મારવાડીની બાયડીને કસુવાવડ થઇ એમાં મારો શું વાંક?”

“આજ લગણ, કોઈ દાડો, તમને કીધું આવું કોમ?”

“બજાર નાનું છે, કલાકમાં વરઘોડો ફરીને આઈ જશે, તમે બસ મોંઘીને થોડીવાર રાહત મળે એટલો ટેમ ઉપાડી લેજો. આમ’તો જરૂર નઈ જ પડે, પણ આ’તો વાત સે.”

કા ભઈના દીકરા જશીયાએ જુદા જુદા કારણો આપી પિતાને સમજાવવા પ્રયત્ન કર્યો. જોકે એમાં ‘મોંઘીને રાહત મળે’ વાળું વિધાન સાવ ખોટું હતું. પોતાને ત્યાં રોજે કામ કરવા આવતી મોંઘી સાથે રાહત મેળવવાનો કાર્યક્રમ જશીયાનો પોતાનો હતો. આમેય સાંજનું લગન હોય ત્યારેજ આવો મોકો મળે. બધા વરઘોડામાં હોય ને ત્યારે ઉતારાની એકાદ ઓરડીમાં મોંઘી સાથે મીઠી મિજબાની માણી લેવાય.

“અને એના માટે જો સગા બાપે પેટ્રોમેક્ષ ઉપાડવું પડે તો ભલે. કા ભઈ એ જિંદગી આખી તમાકુની ખળી પર ગુલામી જેવી નોકરીમાં કાઢી નાખી. રૂપિયો એક બચાવ્યો નઈ, આ તો અમેરિકાવાળા પટેલ દોસ્તારે મદદ કરી એટલે આ ફરાસખાનાનો ધંધો કર્યોને કા ભઈ સહિતનું કુટુંબ બે પાંદડે થયું. જો આ ના કર્યું હોત તો ડોહા હજુ ખળી બેસીને આખી બપોર બીડીઓ ચૂસતા હોત ને પટેલોના ટાપા!” જશીયાના વિચારોમાં વ્યહવારીક સ્પષ્ટતા હતી.

(એક સ્પષ્ટતા: અમેરિકાવાળા દોસ્તારે મદદ કરી એની પાછળ જશીયા સાથેની મિત્રતા કરતા જશીયાની બેન સાથેની અમેરિકાવાળા દોસ્તારની દોસ્તીનો વધારે ફાળો છે.)

“અલ્યા મને કોઈ વોંધો નથી. પણ સમજ આ તારી બોનની સાસરીનું ગોમ હે. તઈ વેવાઈ કે એમના સમાજનું કોઈ બીજી કોઈ જુવે તો આબરૂ જાય. એમ કઉ શું ભઈલા.” કા ભઈએ નમ્રતાપૂર્વક પોતાની ચિંતા રજુ કરી.

“લ્યા, ના જુવે કોઈ, કેવી વાતો કરો સો. તઈ પોનસો માણસ માયે તમને વેવાઈ થોડો ઓળખવાનો, લોકો વરઘોડો જુવે, બગી જુવે, નાચનારા જુવે, તૈયાર થયેલા બૈરા જુવે. બત્તી ઉપાડેલા તમને જોવા કોઈ નવરું ના હોય. ના કરવું હોય તો સીધી રીતે ના પાડી’દો ને, ત્રાગા કેમના કરો હો.” જશીયો વીફર્યો.

મંડપ સર્વિસના હેડકવાર્ટરની બહાર લદાયેલી માલવાહક રિક્ષા પાસે બાપ દીકરાની જીભા જોડી ચાલતી હતી ત્યાંજ મોંઘી આવી.

“જશું ભઈ, પેલો ધોબી સાડીઓના પૈસા માંગે છે.” યુનિફોર્મમાં પહેરાતી સાડીઓ ધોવરાવા અને ઈસ્ત્રી કરાવાના ખર્ચાનો ઉલ્લેખ થયો હોય એમ ત્યાં ઉભેલા સૌને લાગ્યું, પણ મોંઘીએ આજે સાંજે એ અવેલેબલ છે એ એમની સાંકેતિક ભાષામાં જશીયાને કહ્યું.

“કેટલા.” જશીયાની અંદર ખાસ’તો નીચેના ભાગે ગલગલીયા થવા માંડ્યા.

“ત્રણસો.” મોંઘી બોલી.

“ત્રણસો કેમના! ધોબીને કે બસો રાખે, બાકીના સાડીઓ જોયા પછી.” જશીયાએ પણ સાંકેતીક ભાષામાં ભાવતાલ કર્યા.

“મારે હોત લૂગડાં પેરવાના હે!” કા ભઈએ વચમાં ડબકું મુક્યું.

“ના બાપા, તમે ના પેરસો બસ. તમે સફારી પેરીને બત્તી ઉપાડજો.” જશીયો બગડ્યો.

“લે બસ્સો રાખ બાકીના ફરી.” જશીયાએ કા ભઈનો ગુસ્સો મોંઘી પર ઉતાર્યો.

******

“વડીલ, બત્તીઓ પેટાવો, ગરમ થતા ટાઇમ લાગશે.” વહીવટદાર નંબર બે બોલ્યો ત્યારે કા ભઈનો ધ્યાન ભંગ થયો.

“એ, હા સાહેબ.” કહીને કા ભઈએ પેટ્રોમેક્ષ પેટાવવાનું ચાલુ કર્યું.

બત્તીઓ ઉપડનારી બાઈઓ અને બીજા બે ત્રણ પુરુષો કા ભઈની રાહ જોઇને ઉભા રહ્યા’તા. જશીયો થોડે દુર બેન્ડ વાજાવાળા જોઈ રકઝક કરતો હતો. બગીવાળો એના ગંધાતા ઘોડા પર, હજામને ત્યાં હોય એવી સ્પ્રેવાળી બોટલમાં અત્તર પાણી મિક્ષ કરી છાંટતો હતો. વરઘોડામાં કોણ ક્યાં ચાલશે એની સિક્વન્સ ગોઠવવા વડીલો આઘાપાછા થતા હતા. એકાદ બે કાકાઓ એમની યુવાન દીકરીઓના લોકેશન વિશે દીકરીઓની માને પુછપરછ કરી રહ્યા હતા. પ્રેમમાં નિષ્ફળ ગયેલા કે નિષ્ફળ જવાની તૈયારીમાં લાગેલા થોડા જુવાનીયાઓ વાડીની બહાર પાર્ક કરેલા સ્કુટર પર બેઠા બેઠા અને સ્કુટરના અરીસામાં પોતે કરાવેલી હેર સ્ટાઈલને જોતા જોતા, આ મતલબી દુનિયા ને સબંધોની અર્થહીનતા પર ચર્ચા કરી રહ્યા હતા. વાડીની અંદર પણ વાતાવરણમાં સફાળે ગરમી આવી હતી. ગોર મહારાજ અને એમના આસિસ્ટન્ટ, વરરાજાની આસપાસ કોઈ વિધિ કરી રહ્યા હતા.

ટૂંકમાં જાણે બધાજ ક્યારે કા ભઈ બત્તીઓ પેટાવે અને પછી વરઘોડો શરૂ થાય એની રાહ જોઇને ઉભા હોય એવું કા ભઈને લાગ્યું.

જશીયાએ મોંઘીની પાસે જઈ કહ્યું.

“ટાવર બજાર આવે એટલે ડોહાને બત્તી આપી દેજે, ને તું સીધી અઈ આવજે, મારું બાઈક પડ્યું હોય એ દરવાજેથી વાડી મેં ઘુસી જજે. વસ્તુ લાઈ છે ને.”

“હોવે.” બીજી સ્ત્રીઓ સાંભળતી હોવાના કારણે મોંઘીએ ટૂંકમાં પતાવ્યું.

“લ્યા, વાજાવાળા, હેંડો ભઈ વગાડો. ટેમ થઇ ગયો.” પીળા સાફાવાળો વહીવટદાર ફરી ડાહ્યો થયો.

વન, ટુ, થ્રી..કહીને  હાથમાં નાનકડી સ્ટીક પકડેલા બેન્ડ માસ્તરે નિપુણ ઓરકેસ્ટ્રા કંડકટર ઝુબીન મહેતાની અદાથી બન્ને હાથ હલાવ્યાને આખાય પંથકમાં મશહુર સમ્રાટ બેન્ડના વાદકોએ, આજ મેરે યારકી શાદી હે ની ધૂન પુરજોશમાં ચાલુ કરી. વાડીની બહારના રસ્તા પર જુવાનીયાઓ એ ફટાકડાની શેર પાથરીને ફોડી. સમગ્ર વાતાવરણ અંધારી સાંજે જાણે ભડકી ઉઠ્યું.

અને બેન્ડવાજા, પછી નાચનારાઓનું ટોળું અને ત્યારબાદ મહિલાઓ અને વરરાજાની બગી અને એની પુરુષો ને વડીલો એમ વરઘોડો ઉપડ્યો. પેટ્રોમેક્ષ માટે લઈને જશીયાની ટીમ વરઘોડાની બહારની બાજુએ સરખા અંતરે ગોઠવાઈ ગઈ, જેથી આખાય વરઘોડા પર સરખો પ્રકાશ રહે.

સમયપ્રવાસ થતો હોય એમ વરઘોડામાં હાજર રહેલા કંઈ કેટલાયે લોકોને પોતાનો વરઘોડો યાદ આવી ગયો. કેટલીય બહેનોએ એમના ફડતુસ અને અદોદળા પતિઓ સામે જોઈ મનોમન નિસાસો નાખી લીધો. સામેની બાજુ પતિઓએ કોલેજમાં જેમને માટે કવિતાઓ લખી હતી અને અંતાક્ષરીમાં જેમને પ્રભાવિત કરવા બેસુરા અવાજે ગીતો ગાયેલા એ તમામ પ્રેમિકાઓને અંજલિ આપી. નાચવાનું હવે પૂરબહારમાં હતું. ડેન્ગ્યુની જેમ નાચવાનો ચેપ આખાય વરઘોડામાં ફેલાયો હતો. સૌ કોઈ એકબીજાનો હાથ પકડીને ડાન્સ ફ્લોર પર એક બીજાને ખેંચી જતા હતા.

ત્યાંજ ટાવર બજાર આવ્યું. “જશીયા પાસેથી સો ના બદલે બસો ના કઢાવું ને અડધા કલાકમાં નીચવેલા લીંબુ જેવો ના કરી નાખું’તો મારું નામ મોંઘી નઈ”ની ખુમારી મોંઘીના ચહેરા પર પેટ્રોમેક્ષના ઝાંખા પ્રકાશમાં ચમકી રહી હતી. એણે થોડે દુર ચાલતા કા ભઈને ઈશારો કર્યો.

“કા કાકા, લો ની બે ઘડી મારી ડોકી રઈ ગઈ.” એ બોલી.

“હા લાય બોન, તારી ડોકી ખરે ટાણે જ રઈ ગઈ, તઈ આગળ વેવાઈની દુકાન હે, લાય તું તારે, મા પૈણાવા ગઈ આબરૂ.” કા ભઈ એ કકળાટ કરતા કરતા પેટ્રોમેક્ષ માથે લીધું.

વજનદાર પેટ્રોમેક્ષ માથે હોવાને કારણે કા ભઈ આજુબાજુ નજર ફેરવી જોઈ શકતા તો ન હતા પણ, જાણે આખું ગામ આજે એમને, બત્તી ઉપડેલા કા ભઈ બીન મેઘજી ભઈને જોવા ઉમટી પડ્યું હોય એવું એમને લાગ્યું. બજારમાં પડતા મકાનોના કઠેરામાં ઉભેલા લોકો, દુકાનોના, મકાનોના ઓટલા પર ઉભેલા લોકો, વરઘોડામાં ચાલતા લોકો, તમામે તમામ લોકો આજે જાણે એમની આબરૂના ધજાગરા ફરકતા જોવા આવ્યા હોય.

“એ જુવો, પેલા કા ભઈ, ખળીવાળા, જુઓ લ્યા બત્તી માથે ઉપાડીને, ખરું કેવાય, કા ભઈ જેવાને પણ બત્તી ઉપાડવી પડે.” પ્રકારની વાતો કરતા હોય એવું કા ભઈ અનુભવતા હતા. બે ઘડી થયું કે બત્તી બાજુમાં મૂકી ચાલતો થઉં, એની માને જે થવું હોય તે થાય. પણ પછી વિચાર આવ્યો કે જશીયો કકળાટ કરી મુકશે. ઘરમાં તાયફા થશે. બસ હવે થોડી વાર જ છે. હમણાં ટાવર બજારેથી જોશીપોળમાં થઈને વાડીએ પાછા. મોંઘી આવતીજ હશે. બસ હે મારી શિકોતર માતા વેવાઈ ના જુવે એટલી લાજ રાખજે.  હજુ શિકોતરમાને કરેલી પ્રાર્થના માતા સુધી પહોંચે એ પહેલાજ વેવાઈનો અવાજ સંભળાયો.

“કા ભઈ તમે?”

ગાંધીની દુકાનના ઓટલે ઉભેલા વેવાઈએ પૂછ્યું ત્યારે બત્તીના વજનને કારણે ડોકી ફેરવી જોવું શક્ય ન હતું, અને દીવા તળે અંધારુંના હિસાબે પેટ્રોમેક્ષ નીચે રહેલા કા ભઈનો ચહેરો સાંજના ઝાંખા અજવાળે ઓળખવો મુશ્કેલ હશે એમ વિચારી કા ભઈએ ચાલવાનું ચાલુ રાખ્યું. પણ વેવાઈ પણ ખંતીલો હતો. એ ખરાઈ કરવા ઓટલેથી નીચે ઉતરી કા ભઈ ભેગો ચાલવા મંડ્યો.

“કેમ નું કા ભઈ, તમારે બત્તી ઉપાડવી પડી?”

“જશુ ભઈ ક્યાં ગયા? જરા પૂછું તો, કે સગા બાપ પાસે બત્તીઓ ઉંચકાવે છે, એ તો કેવા સંસ્કાર.” વેવાઈનો અવાજ વરઘોડાની ધમાલમાં ધીમો સંભળાતો હતો, પણ એક એક સંભળાયેલો શબ્દ તીરની જેમ કા ભઈના સ્વને વીંધી ગયો.

“ના રે, એવું કંઈ નથી બાપા, આ પેટ્રોમેક્ષ વાળી બાયડીને ચક્કર આયા, તે મેં બે ઘડી હાથ દીધો. જશીયો બીજી બાઈને લેવા ગયો છે વાડીએ.” કા ભઈ એ લૂલો બચાવ કર્યો.

પેટ્રોમેક્ષ કરતા દશ ગણા સ્વમાનના બોજ નીચે એ દબાતા હોય એવું અનુભવ્યું. એમનો શ્વાસ ઊંચકતો જતો હતો. કાનની પાછળથી પરસેવાનો રેલો ડોકી પર થઈને ખમીસમાં ઉતરી ગયો.

“બનેજ નઈ ને, મેં જાતે જોયું પેલી બાઈએ તમને હોમેથી બોલાઈ ને બત્તી ઝલાઈ. ખરા છો તમે તો બાપ-દીકરો ભઈસાબ, તમારી નઈ તો અમારી આબરૂનો વિચાર તો કરવો’તો. તમારા જમાઈનું નોમ હે ગોમ મે. ને અહી સસરો બત્તીઓ ઊંચકી ને ફરે હે.” વેવાઈએ મોકાનો લાગ લઈને બરોબરની ચોપડાવી.

કા ભઈ સમસમી ગયા. ગુસ્સો તો એવો આવ્યો કે મારું સાલી આ બત્તી વેવાઈના માથા પર, પછી જે થવાનું હોય એ થાય. મારું હાળું ટુણીયાટ આખી જિંદગી ગાંધીની દુકાને પડીકા વાળી ખાધાને અહી સફાઈઓ મારે હે. ને એનો છોકરો પીધેલી છે એ આખું ગોમ જાણે હે. આ છોરીના પટેલના છોકરા જોડેનું ચક્કર જો ના પકડાયું હોત તો તારી પીધેલીને કોઈ દાડો મારી છોરી ના પયણાવતે.

વેવાઈ એમની અપમાન-પારાયણ આગળ વધારે એ પહેલા વરઘોડામાં કોઈ બેને બુમ પાડી.

“પકડો, મારો અછોડો તોડી ગયો. પેલો જાંબલી શર્ટ વાળો.”

અને જે પ્રમાણે થવો જોઈએ એજ પ્રકારનો ઉહાપોહ થયો, ધક્કામુક્કી, દોડાદોડી અને અરાજકતા પળવારમાં વરઘોડામાં ફેલાઈ ગયા.

જાંબલી શર્ટવાળો મોં પર રૂમાલ બાંધેલો માણસ દુકાનના ઓટલા પર ચડી દોડ્યો. ત્યાંજ બીજી બાજુથી બીજો અછોડો તોડવાની બુમ પડી. જાણે ધાડપાડુંઓની ટોળકી ત્રાટકી હતી. સ્ત્રીઓ એમના ગળા પર હાથ રાખી ભયભીત નજરે ચારેકોર જોયા કરતી હતી. જાંબલી શર્ટવાળો દુકાનના ઓટલા પરથી કુદયો ને વેવાઈને ધક્કો મારીને ભીડમાં ભાગ્યો. વેવાઈએ સંતુલન ગુમાવ્યુંને પડતા બચવા એમણે કા ભઈ ને ઝાલ્યા. કા ભઈના માથે રહેલી બત્તી હાલકડોલક થઇને પછી પડી. બત્તી પડીને કાચ ફૂટ્યો અને એમાં રહેલા કેરોસીનની ઝાળ પ્રસરી ને લોકો હવે આગ આગ કરીને દોડવા માંડ્યા. બગીનો ઘોડો ભડક્યો. એણે બે પગ ઊંચા કરી ચિચિયારી કરી. વરરાજાને અણવર ને વરરાજાની બેન બગીની બંન્ને બાજુએથી એક પછી એક બહાર કુદવા માંડ્યા.

કા ભઈને શું સુઝ્યું તે એમણે પેલા જાંબલી શર્ટવાળા પાછળ દોટ મૂકી. વરઘોડાથી થોડે પાછળ જાંબલી શર્ટવાળાનો સાગરિત બાઈક પર ઉભો હતો. એણે જાંબલી શર્ટને જલ્દી જલ્દી, આ તરફ ની બુમ પાડી.

પણ, હજુ બાઈક પાસે પહોચે એ પહેલા કા ભઈએ એને દબોચી લીધો. એના હાથમાં રહેલો અછોડો ઝુંટવી લીધો. બીજો અછોડો તોડીને આવતો ગેંગનો બીજો સભ્ય પણ એજ સમયે ત્યાં પહોચ્યો. પણ એની પાછળ પણ ટોળું હતું. એણે જાંબલી શર્ટવાળાને છોડાવવાનું જોખમ લેવું મુનાસીબ સમજ્યું નહી, ને પેલા બાઈકવાળાની પાછળ બેસી ગયો. બંન્ને જણા ત્યાંથી ફટાફટ નીકળી ગયા.

કા ભઈએ પેલાના મોં પર બાંધેલો રૂમાલ ખેંચ્યો ને જાણે એમની આંખો થીજી ગઈ.

“રોહિત કુમાર તમે?” બુકાની પાછળનો જમાઈનો ચહેરો જોઈ એમના હાથની પકડ ઢીલી પડી ગઈ. રોહિત કુમારે એનો લાભ લઇ કા ભઈને હડસેલો મારી પાડ્યા અને પોતે દોટ મૂકી ગલીઓ તરફ ભાગ્યો.

ત્યાંજ ટોળું પહોચ્યું.

કા ભઈ ચત્તાપાટ જમીન પર પડ્યા હતા.

“કાકા, લાગ્યું નહી ને, લ્યા કોઈ કાકાને પોણી આલો.” ટોળામાંથી કોઈ બોલ્યું.

“ખરું ડેન્જર કર્યું હો તમે કાકા, બોલો અછોડો ના લઇ જવા દીધો.” કહીને પીળા સાફા વાળા વહીવટદારે કા ભઈને બેઠા કર્યા. અછોડાની માલકણ એવી યુવાન સ્ત્રી ત્યાં આવી પહોચી.

“દાદા, થેંક યુ, જો આ દોરો ગયો હતો તો મારે સાસરીમાં કઈ સાચું ખોટું સાંભળવું પડતે, છોકરું કાખે હતું એટલે પેલો નરાધમ ઝુંટવી ગયો. ફરી મને કોઈ દાડો એકલી ના આવવા દેત.” એ રડમસ અવાજે બોલી.

ત્યાંજ વેવાઈ આવી પહોચ્યા. સાથે સ્થાનિક બીટનો જમાદાર હતો.

“સાયેબ, આપણા વેવાઈ હે.” એમણે ગર્વથી જમાદારને કહ્યું.

“બહુ ડેરિંગવાળા તમે કા ભઈ.” કા ભઈને ખભે ધબ્બો મારી વેવાઈ બોલ્યા.

કા ભઈ ફાટી આંખે આખોય માહોલ જોઈ રહ્યા.

Write a comment ...

પાર્થ નાણાવટી (Parth Nanavati)

વાતો । વાર્તાઓ । વિચારો